Breaking News

શું હનુમાનજી વિવાહિત હતા? ગુજરાતમાં આવેલા આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમના પત્નીની પણ પૂજા કરાય છે.


ભગવાન શ્રીરામના પરમભક્ત હનુમાનજીની આજે જન્મજયંતિ(Hanuman Jayanti) છે.તેમના વિશે અનેક વાતો લખાયેલી છે. લોકો પણ હનુમાનજીને ભગવાન શ્રીરામ(Shree Raam)ના પરમભક્ત તરીકે પૂજા-અર્ચના કરે છે. પરંતું શું તમે જાણો છો કે, એક એવું પણ મંદિર(Mandir) આવેલું છે જેમાં હનુમાનજી(Hanumanji)ની મૂર્તિની સાથે સાથે તેમના પત્નીની પણ પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ આ અનોખા મંદિર વિશે.

હનુમાન દાદાના ભકતો જાણે છે કે, તેઓ બાળ બ્રહ્મચારી હતા. રામાયણ અને રામચરિત માનસમાં પણ તેમના આ રૂપનું વર્ણન છે. પરંતુ પરાશર સંહિતામાં હનુમાનજીના વિવાહનું વર્ણન છે અને સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા મેયર બંગલા પાસે એક મંદિરમાં હનુમાનજીની તેમની પત્ની સુર્વચલાજી સાથેની મૂર્તિ પણ છે. જ્યાં તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરની સ્થાપના 40 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ તેમાં મહાબલી હનુમાન દાદાને તેમની પત્ની સુર્વચલાજીની સાથે અંદાજે ત્રણ વર્ષ પહેલા બિરાજમાન કરવામાં આવ્યા છે.


તેલંગણાના ખમમમ જિલ્લામાં બનાવાયેલું હનુમાનદાદાનું મંદિર અનેક રીતે ખાસ છે. અહીં હનુમાનજી તેમના બ્રહ્મચારી રૂપમાં નહીં પરંતુ ગૃહસ્થ જીવનમાં તેમની પત્ની સુર્વચલા સાથે બિરાજમાન છે. માન્યતા છે કે, અહીં હનુમાન દાદાના તેમની પત્ની સાથે દર્શન કરવાથી પતિ -પત્ની વચ્ચેની પરેશાનીઓ દૂર થાય છે. તેલંગણા સિવાય હનુમાનદાદાની આ રૂપની મૂર્તિ સુરત શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં જોવા મળે છે . જ્યાં માત્ર હનુમાનજીનું જ નહીં પરંતુ તેમની પત્ની સુર્વચલાજીનું પણ પૂજન થાય છે.

હનુમાનજી પરિણીત પણ હતા અને બાળ બ્રહ્મચારી પણ હતા

પરાશર સંહિતા મુજબ પવનપુત્ર હનુમાનજીના વિવાહનો અર્થ એ નથી કે, તેઓ બાળ બ્રહ્મચારી ન હતા. રામદૂત પરિણીત પણ હતા અને તેઓ બાળ બ્રહ્મચારી પણ રહ્યા હતા. એટલે કે, કેટલીક ખાસ પરિસ્થિતિને કારણે હનુમાન દાદાના લગ્ન સૂર્યપુત્રી સુર્વચલા સાથે થયા હતા.


એક કથા અનુસાર હનુમાનજીએ ભગવાન સૂર્યને પોતાના ગુરુ બનાવ્યા હતા અને તેમની પાસેથી અષ્ટ સિદ્ધિ નવ નિધિ વિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા હતા. સૂર્ય ભગવાનની સાથે હનુમાનજી આખો દિવસ જતા હતા અને તપ કરીને શિક્ષા પણ મેળવતા હતા. પાંચ શિક્ષા આપ્યા બાદ સૂર્યદેવે તેમને આગળની શિક્ષા આપવાની ના પાડી હતી. હનુમાનજીએ કારણ પૂછતાં સૂર્યદેવે જણાવ્યું હતું કે, આગળની ચાર શિક્ષા માત્ર વિવાહિક વ્યક્તિને જ શીખવવામાં આવી શકે છે. બાળ બ્રહ્મચારી છો અને ગૃહસ્થ જીવનનું નિર્વહન કરી રહ્યા નથી જેથી તમને આગળની શિક્ષા આપી શકાય એમ નથી.

આ વાત સાંભળ્યા બાદ હનુમાન દાદા એ સૂર્યદેવને હાથ જોડી વિનંતી કરી હતી કે, આ સમસ્યાનો નિરાકરણ લાવવામાં તેઓ કોઇક રસ્તો બતાવે જેથી તેમની અષ્ટ સિદ્ધિ નવ નિધિ શીખવાની પ્રતિજ્ઞા પૂર્ણ થાય. જેને લઈને સૂર્યદેવતા અને અન્ય દેવતાઓઓ દ્વારા વિચાર વિમર્શ કર્યાં બાદ હનુમાનજીના લગ્ન સૂર્યપુત્રી અને તપસ્વી અને બ્રહ્મચારીણી સુર્વચલાજી સાથે કરાવવાનો નિર્ણય લેવાયો અને તેઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ હનુમાનજી પોતાની તપસ્યામાં ફરીથી લીન થયા અને બ્રહ્મચર્યાનું પાલન કર્યું તેમજ સુર્વચલાજી પણ અખંડ બ્રહ્મચર્યાનું પાલન કરતા રહ્યા. આ રીતે બંનેનું બ્રહ્મચર્ય કાયમ રહ્યું છે.


ટિપ્પણીઓ નથી