Breaking News

ગુજરાતના આ એક જ શહેરમાં આવેલા છે મહાદેવના 9 અલગ અલગ સ્વરૂપોના મંદિર


ભગવાન ભોળેનાથ(Bholenath)ના દેશ-વિદેશમાં અલગ અલગ સ્વરૂપોના અનેક મંદિરો આવેલા છે પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતનું એક એવુ શહેર છે જ્યાં ભગવાન ભોળેનાથના અલગ અલગ 9 સ્વરૂપોના મંદિરો આવેલા છે. તો ચાલે જાણીએ એ શહેર અને મહાદેવના અલગ અલગ સ્વરૂપો વિશે.

વડોદરા(Vadodara) શહેર જેટલું ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે, એટલું વડોદરામાં આવેલા નવનાથ મહાદેવ માટે પણ પ્રસિદ્ધ છે. વડોદરાની ચારે બાજુ આ નવનાથ મહાદેવ(Navnath Mahadev) સ્થિત છે. અને આ નવનાથ મહાદેવના આશીર્વાદ વડોદરા પર આજદિન સુધી રહેલા છે.જેમાં વડોદરાના નવનાથ જેમ કે, (1) શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ(Kashi Vishweshwar Mahadev) (2) કામનાથ મહાદેવ(Kamnath Mahadev) (3) ભીમનાથ મહાદેવ (Bhimnath Mahadev) (4) મોટનાથ મહાદેવ (Motnath Mahadev) (5) સિધ્ધનાથ મહાદેવ (Sidhdhnath Mahade) (6) કોટનાથ મહાદેવ (Kotnath Mahadev) (7) જાગનાથ મહાદેવ (Jagnath mahadev) (8) રામનાથ મહાદેવ (Ramnath Mahadev) અને (9) ઠેકરનાથ મહાદેવ.(Thekarnath Mahadev)

શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવઃ વડોદરા સ્ટેશનથી 2-3 કિ.મી. દૂર પશ્ચિમ દિશા તરફ પ્રોડકટીવીટી રોડ, જેતલપુર વિસ્તારમાં સ્થિત છે. રોડને અડીને કાશીવિશ્વેશ્વરનું મંદિર આવેલું છે.

કામનાથ મહાદેવ: કામનાથ મહાદેવનું મંદિર કમાટીબાગની પાછળ આવેલું છે. એની બાંધણી (ગર્ભાગાર) અષ્ટકોણમાં છે. ગર્ભાગારથી શિવલિંગ આશરે 6.7 ફૂટ નીચે છે. આ મંદિર ગાયકવાડી શાસનપૂર્વે એટલે આશરે 550-600 વર્ષ જૂનું છે. આ શિવલિંગ સ્વયંભૂ છે.

ભીમનાથ મહાદેવ: સયાજીગંજમાં ભીમનાથ રોડ નામનો રસ્તો છે. એ રસ્તાની જોડે ભીમનાથ મહાદેવનું મંદિર છે. ભીમે(Bheem) અહીં શિવલિંગની સ્થાપના કરી એ જ આ ભીમનાથ મહાદેવ. આ મંદિરના મુખ્ય શિવલીંગ સામે આપણે ઉભા રહીને તો ડાબે હાથે 5-6 પગથિયા ઉતરીને નીચે જઇને એટલે ત્યાં ગર્ભાગારમાં આપણને એક બીજું શિવલિંગ જોવા મળે છે. એનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ. એનાં દર્શનથી લોકોની મનોકામના સિદ્ધ થાય છે તેથી એને સિદ્ધેશ્વર કહે છે.

મોટનાથ મહાદેવ: વડોદરા શહેરથી આશરે 10 કિ.મી. દૂર હરણી નામનું ગામ છે. લોકવાયકા અનુસાર મોટનાથ મહાદેવનું મંદિર આશરે 600 વર્ષ જૂનું છે. એમાંનું શિવલીંગ ભૂગર્ભમાંથી પ્રગટ થયું હતું. આ મંદિરનો મહિમા એટલો વિશાળ છે કે અહીં શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજી, પ.પૂ. ડોંગરે મહારાજ, ભાવનગરના દયાદિલ મહારાજ, સાવર કુંડલાના શ્રી ગિરીબાપુ તેમજ સાવલીના સ્વામીજી જેવા અનેક સાધુ - સંતો તેમજ રૂદ્રાભિષેક પણ કર્યા છે.

સિદ્ધનાથ મહાદેવ: ખંડેરાવ માર્કેટની ડાબી બાજુએ એક રસ્તો જાય છે. ત્યાંથી થોડું આગળ જઇએ એટલે જમણી બાજુ સિદ્ધનાથ તળાવ(Lake) દેખાય છે. તળાવના કાંઠે બાપુ મહારાજનાં વિઠ્ઠલમંદિરની સામે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. આની લોકવાયકા એવી છે કે આ મહાદેવની ભક્તિ કરીએ તો આપણી મનોકામના સિદ્ધ થાય છે, એટલે એનું સિદ્ધનાથ નામ પડ્યું છે.

કોટનાથ મહાદેવ: વડોદરાથી આશરે 8 કિ.મી. દૂર મકરપુરા ઔદ્યોગિક વસાહત નજીક વડસર નામનું ગામ છે. આ ગામની બાજુમાંથી વિશ્વામિત્રી(Vishvamaitri) નદી વહે છે. એના કિનારે કોટનાથ મહાદેવનું મંદિર સ્થિત છે.

જાગનાથ મહાદેવ: વડોદરાથી પાદરા તરફ જવા કલાલી ફાટક નામનું રેલવે ફાટક આવે છે. એ ફાટકથી આગળ વડસર તરફ જવાના રસ્તા પર જ જાગનાથ મહાદેવનું બહુ જૂનું મંદિર છે. હાલ બે કરોડ રૂપિયાના ખર્ચે મંદિરના જિર્ણોદ્ધારનું કામ ધારાસભ્ય યોગેશભાઇ પટેલ(Yogeshbhai Patel) દ્વારા કરવામાં આવ્યું હતું. અને આખું મંદિર(Mandir) પથ્થરનું બનાવવામાં આવ્યું છે.

રામનાથ મહાદેવ: આ મંદિર બહુ જ જૂનું છે અને એની દંતકથા એવી છે કે, પ્રભુ રામચંદ્રે આ શિવલિંગની પૂજા કરી છે. એથી એનું નામ રામનાથ પડ્યું છે. ગાજરાવાડી સ્મશાન ભૂમિ નજીક આ મંદિર છે.

ઠેકરનાથ મહાદેવ: વડોદરાની પૂર્વમાં અજબડી નામની એક પ્રખ્યાત કાપડની મિલ હતી. એની જોડે આ ઠેકરનાથનું મંદિર છે. મંદિરમાં આપણને બે શિવલિંગ (Shivling) જોડે જોડે જોવા મળે છે.

ટિપ્પણીઓ નથી