અહીં આવેલું છે 400 વર્ષ જૂનુ નાગદેવતાનું મંદિર, પ્રસાદ ખાનારને ક્યારેય સાપ કરડતો નથી
નાગદેવતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. સાપ ન કરડે તેના માટે અથવા સાપ કરડ્યા પછી ઝેર ન ચડે તેના માટે ભક્તો ખાસ નાગદેવતાની પૂજા અર્ચના તથા માનતા રાખતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક 400 વર્ષ જૂનું નાગદેવતાનું મંદિર આવેલું છે તો ચાલો જાણીએ એ મંદિર વિશે.
જલારામધામ વીરપુરમાં 400 વર્ષ જૂનું નાગ દેવતાનું મંદિર આવેલું છે. આ મંદિરને શ્રી આહપાદાદાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ નાગ દેવતાના મંદિરનો મહિમા એવો છે કે ગામનું એક પણ ઘર પૂજા કર્યા વગર અન્નનો એક પણ દાણો આરોગતું નથી. અહીંના પ્રસાદનો અનોખો મહિમા છે, કારણ કે, આ મંદિરનો પ્રસાદ આરોગનાર કોઈ પણ વ્યક્તિને આજસુધી સર્પે દંશ માર્યો નથી.
અહીં નાગ પાંચમના દિવસે આખો દિવસ નાગ દેવતાના દર્શન ચાલે છે, મંદિર પરિસરની આજુબાજુ મેળા જેવો માહોલ જામે છે. અહીં દર વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે અહીં બિરાજમાન આહપાદાદા નાગ દેવતાની ડાક ડમરુ સાથે શોભાયાત્રા યોજાય છે. તેમજ સમગ્ર ગામની મહિલાઓ દ્વારા પૂજા કરવા માટે આવે છે. દર વર્ષે આહપાદાદા નાગદેવતાને તલમાંથી બનાવેલ તલવટનો પ્રસાદ ધરવામાં આવે છે. હજારો કિલોની માત્રામાં બનાવેલ આ પ્રસાદ મંદિરના આહપાદાદા મિત્ર મંડળના 40 યુવકોની એક ટીમ દ્વારા તે સમગ્ર ગામમાં ઘરે ઘરે જઈ પ્રસાદનું વિતરણ કરે છે.
આ પ્રસાદ લોકો દ્વારા આરોગવાથી લોકોને ક્યારેય સાપ કરડ્યો નથી.વીરપુર ગામના ખેડૂતો આ પ્રસાદ પોતાના ખેતરના શેઢે વેરે છે અને વીરપુરમાં આજ સુધી કોઈ સાપે સ્થાનિકોને કે ખેતીકામ દરમિયાન કોઈ ખેડૂતને દંશ માર્યો ન હોવાથી આ માન્યતા પ્રબળ બની છે.
ટિપ્પણીઓ નથી