ગુજરાતમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર દિવસમાં 2 વખત થઈ જાય છે ગાયબ, જાણો મહિમા
ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જેમાં ભગવાન ભોળેનાથનું એક મંદિર પણ સામેલ છે. સ્કંદ પુરાણમાં પણ આ મંદિર વિશે ગાથા છે.અહીં દર્શન માત્રથી જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા છે. મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળ ગુપ્ત તીર્થ કે સંગમ તીર્થ તરીકે પણ પ્રખ્યાત છે.
ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કવી કંબોઈના દરિયાકાંઠે આ મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે સ્તંભેશ્વર મહાદેવ (શિવલિંગ) પર સમુદ્ર પોતે દિવસમાં બેવાર અભિષેક કરે છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂરી થાય છે. એવી લોકવાયકા છે કે ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેય દ્વારા તાડકાસૂરનો વધ કરવામાં આવ્યો હતો. તાડકાસૂર શિવભક્ત હતો એટલે ત્યારબાદ કાર્તિકેયને શિવભક્તનો સંહાર કર્યા હોવાની મનમાં વેદના રહેવા લાગી. જેના પ્રાયશ્ચિત રૂપે તેમણે આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી અને વર્ષો સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા.
આ મંદિર દિવસમાં 2 વાર ગાયબ થઈ જાય છે તેવું પણ કહેવાય છે. હવે એની પાછળનું કારણ એ છે કે મંદિર સમુદ્ર કિનારે છે અને સવાર તથા સાંજે પાણીનું સ્તર વધી જતા લહેરો વચ્ચે મંદિર ગાયબ થઈ જાય છે. પાણી ઉતરી જાય એટલે મંદિર પાછું દેખાવવા માંડે છે. આ વિશેષતાના કારણે તેને 'ગાયબ મંદિર' પણ કહે છે. મંદિર વિશે એવું પણ કહેવાય છે કે સમુદ્ર દિવસમાં બેવાર પોતે સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરે છે. આ અદભૂત નજારો જોવા માટે મોટા પાયે શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
અન્ય એક લોકવાયકા મુજબ પૃથ્વી પરના બધા તીર્થ એકવાર ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે જણાવવાનું કહ્યું તો બ્રહ્માજીએ કહ્યું કે તેઓ જ જણાવે. બધા તીર્થ જ્યારે ચૂપ રહ્યા તો સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો. કારણ કે ત્યાં દરિયા અને મહી નદીનો સંગમ છે અને આ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળીને ધર્મદેવે અહંકારી વચનો બદલ સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપીને કહ્યું કે તીર્થ તરીકે તમે ક્યારેય પ્રસિદ્ધિ નહીં પામો, તમારી સિદ્ધિઓ ગુપ્ત જ રહેશે. તેથી આ તીર્થસ્થળને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખાય છે.
મહિસાગર સંગમ તીર્થ સ્તંભેશ્વર મહાદેવ-કાવી કંબોઈ પહોંચવા માટે વડોદરાથી 53 કિમી સુધીનો રસ્તો બસ કે કાર દ્વારા જંબુસર થઈને પહોંચી શકાય છે. જંબુસરથી આ સ્થળ 30 કિમી દૂર છે. એટલે પહેલા તમારે જંબુસર પહોંચવું પડે. આ સ્થળ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 પર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઈ જવા માટેના રસ્તાને પણ 2008માં રાજ્ય ધોરીમાર્ગનો દરજ્જો મળવાથી પહોંચ સરળ બની છે.
ટિપ્પણીઓ નથી